તડફડિયા

 


   પ્રાચીન સમયમાં એક સંત ખૂબ જ વિદ્વાન હતાં અને તેમની જોડે ધનની કોઇ ખોટ હતી નહીં. દૂર-દૂરથી લોકો તેમની પાસે પોતાની પરેશાનીઓને લઇને આવતાં અને તેઓ સમાધાન જણાવતાં હતાં.

   

   તેમના ગામમાં એક યુવક ખૂબ જ મહેનત કરતો હતો, પરંતુ તેને સફળતા મળતી નોહતી. એક દિવસ તે સંત પાસે પહોંચ્યો અને કહ્યું કે ગુરુજી તમે મને કોઇ એવો ઉપાય જણાવો, જેનાથી મારી બધી જ સમસ્યાઓ દૂર થઇ જાય અને હું પણ તમારી જેમ સફળ વ્યક્તિ બની શકું. સંતે તે યુવકની સંપૂર્ણ વાત સાંભળી અને કહ્યું કે ઠીક છે હું તને એક ઉપાય જણાવું છું. કાલે સવારે તું મને નદી કિનારે મળવા આવજે. 


   બીજા દિવસે સવારે યુવક જલ્દી ઉઠ્યો અને નદી કિનારે પહોંચી ગયો. સંત પણ ત્યાં પહોંચી ગયાં હતાં. સંત તે યુવકને લઇને નદીની વચ્ચે પહોંચી ગયાં. હવે બંનેના માત્ર માથા જ પાણીની બહાર હતાં. ત્યારે અચાનક સંતે તે યુવકનું માથું પકડ્યું અને તેને પાણીમાં ડુબાડવા લાગ્યાં.


   યુવક પાણીમા ડુબવા લાગ્યો અને તડફડીયા મારવા લાગ્યો, જેમ-તેમ કરીને તે સંતના હાથમાંથી છુટીને નદીની બહાર આવી ગયો. સંત પણ નદીમાંથી બહાર આવી ગયાં. યુવકે સંતને કહ્યું કે તમે તો મને મારવા ઇચ્છો છો. સંતે કહ્યું કે નહીં, હું તો તને સફળતાનું રહસ્ય સમજાવી રહ્યો હતો.


   સંતે પૂછ્યું કે જ્યારે તું પાણીમાં ડૂબી રહ્યો હતો, ત્યારે તને શું મેળવવાની ઇચ્છા સૌથી વધારે થઇ રહી હતી? યુવકે કહ્યું કે ડુબતી સમયે મને સૌથી વધારે એક શ્વાસ લેવાની ઇચ્છા થઇ રહી હતી. 

   સંતે ફરી પૂછ્યું કે શું એ વખતે શ્વાસ લેવા સિવાય બીજો કોઈ વિચાર તારા મનમાં આવી રહ્યો હતો? યુવકે કહ્યું  ના શ્વાસ લેવા સિવાય મને બીજો કોઈ વિચાર આવી નહોતો રહ્યો.


   સંતે કહ્યું કે બસ ઠીક આ જ પ્રકારે સફળતાનો પણ નિયમ છે.  જીવનમાં કોઈ એક લક્ષ નક્કી કરો.  ત્યારબાદ તમારું સંપૂર્ણ જીવન એ લક્ષ ને સમર્પિત કરી દો. એ લક્ષ સિવાય મનમાં બીજો કોઈ વિચાર આવવો ના જોઈએ. તમારા જીવનના છેલ્લા શ્વાસ સુધી એ લક્ષને પ્રાપ્ત કરવા અઢળક  મરણિયાત મહેનત કરો. સફળતા તમારા કદમોમાં હશે.


બોધપાઠ: જ્યારે આપણે તન અને મનથી કોઇ કામમાં જોડાયેલા રહીએ છીએ ત્યારે સફળતા ચોક્કસ મળે છે


આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

દહીની કિંમત

ગરુડનું બચ્ચું