ગરુડનું બચ્ચું


  એક માણસે મરઘીના માળામાં ગરુડનું ઈંડું મૂકી દીધું. ઈંડું એમાં પાકવા લાગ્યું અને થોડા સમય બાદ ગરુડના બચ્ચાનો જન્મ થયો. બચ્ચું પોતાને મરઘી સમજીને મોટું થવા લાગ્યું. મરઘીનાં બીજાં બચ્ચાં જેમ કરે તેમ એ પણ કરવા માંડ્યું. મરઘીનાં બચ્ચાં વધારે ઊડી નહોતાં શકતાં એટલે એ પણ વધારે ઊંચે નહોતું ઊડતું. 

  ઘીમે ધીમે સમય પસાર થઈ રહ્યો હતો. ગરુડનું બચ્યું મરઘીનાં બચ્ચાં સાથે રહીને એમના જેવું જ બની ગયું હતું. એક દિવસ એ મરઘીનાં બચ્ચાં સાથે જંગલમાં ફરવા નીકળ્યું હતું. એણે જોયું કે આકાશમાં એક ગરુડ અદ્ભુત ઉડાન ભરી રહ્યું હતું. સે સડસડાટ ઊંચે ઊડતું જોઈને એણે સાથેના મરઘીના બચ્ચાને પૂછ્યું, “અરે વાહ, આ પક્ષી તો જોરદાર ઊડે છે. આપણે પણ એવું ઊંચું ઊડવું હોય તો શું કરવું પડે? એ પક્ષીનું નામ શું છે?” મરઘીના બચ્ચાએ જવાબ આપ્યો, “છાનુંમાનું બેસ, તું એના જેવું કદી ના ઊડી શકે, એ તો ગરુડ છે અને તું મરઘીનું બચ્યું. તું તારી હેસિયતમાં રહે. ગરુડના વાદ ના કરાય તારાથી.” 

  ગરુડના બચ્ચાને જે જવાબ મળ્યો તે એણે ગાંઠે બાંધી દીધો અને પોતાની સાચી ઓળખ ના થવાને લીધે આખી જિંદગી મરઘીના બચ્ચા તરીકે જ વિતાવી દીધી. એ મરઘીના બચ્ચા તરીકે જ જીવ્યું અને મરઘીના બચ્ચા તરીકે જ મર્યું. 

  માટે યાદ રાખો કે માણસના જીવનનો આધાર એના સોબતીઓ પર પણ રહેલો છે. એ કોની સાથે બેસે છે, કોની સાથે ફરે છે, કોની સાથે કામ કરે છે વગેરે ઉપર એના સમગ્ર જીવનના મૂલ્યનો આધાર રહેલો છે. માટે સોબત સારી રાખશો તો જીવન પણ સારું જ વિતશે અને ઊંચી ઉડાન પણ ભરાશે.

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

દહીની કિંમત

તડફડિયા