સફળતાનાં સોપાનો: સ્વામી વિવેકાનંદ
આજના સ્પર્ધાત્મક અને માનસિક તનાવપૂર્ણ યુગમાં એકાગ્રતા, આત્મશ્રદ્ધા અને ઉત્તમ વિચારશક્તિ કેળવીને દૃઢ મને જગત સામે ઊભા રહેવાની અને બધા પડકારોની વચ્ચે ઊભા થવાની શક્તિ અર્પતી સંજીવની સમી પુસ્તિકા એટલે ‘સફળતાનાં સોપાનો’
વિચારશક્તિ
૧. કાર્ય કરવું તે ઘણું સારું છે. પણ કાર્ય વિચારમાંથી ઉદ્ભવે છે. તેથી મગજને ઊંચામાં ઊંચા વિચારોથી, શ્રેષ્ઠ આદર્શોથી ભરી દો; તે વિચારો અને આદર્શોને દિવસરાત તમારી સમક્ષ રાખો; તેમાંથી જ મહાન કાર્યો જન્મશે જ
૨. એક વિચાર લો. એ એક વિચારને તમારા જીવન નું લક્ષ્ય બનાવી લ્યો, તેના વિશે જ વિચાર કરો. તેના જ સ્વપ્ન દેખો, એ વિચાર પર જ જીવો. તમારું મગજ, સ્નાયુઓ, માંસપેશીઓ, જ્ઞાનતંતુઓ, તમારા શરીરનો એકે એક અવયવ એ વિચારથી ભરપૂર કરી દો, અને એ સિવાયના બીજા દરેકે દરેક વિચારને બાજુએ મૂકો. આજ સફળ થવાનો એક માત્ર માર્ગ છે.
૩. જો તમે પાંચ વિચારોને પચાવ્યા હોય અને તેમને તમારાં જીવન અને ચારિત્ર્યમાં ઉતાર્યા હોય તો એ માણસે આખી લાઈબ્રેરી ગોખી લીધી હોય તેના કરતાં તમે વધુ કેળવાયેલા છો.
૪. આપણને ગતિ આપનારું બળ વિચાર છે. મનને ઉચ્ચ વિચારોથી ભરી દો, તેના વિશે રોજ રોજ શ્રવણ કરો, મહિનાઓ અને મહિનાઓ સુધી તેનો વિચાર કરો. નિષ્ફળતાની કદી પરવા ન કરો. આ નિષ્ફળતાઓ સાવ સ્વાભાવિક છે, જીવનનું સૌંદર્ય છે.. જીવનમાં જો મથામણ ન હોય તો જીવનની કાંઈ કિંમત નથી.
૫. નિરંતર પવિત્ર વિચારો કર્યે રાખો. ખરાબ સંસ્કારોને દબાવવાનો એક માત્ર ઉપાય એ જ છે.
૬. જેમ ખોટા વિચારો અને ખોટાં કાર્યો તમારી ઉપર વાઘની જેમ તરાપ મારવાને તૈયાર હોય છે, તેમજ બીજે પક્ષે પ્રેરક - આશાનાં કિરણો પણ છે કે સુવિચારો અને સત્કાર્યો તમારો બચાવ કરવા સહસ્ત્રદેવતાઓની શક્તિથી સર્વદા અને સદા માટે તૈયાર હોય છે.
૭. બચપણથી જ રચનાત્મક, દૃઢ અને સહાયક વિચારો તેમના (બાળકોના) મગજમાં દાખલ કરો.
૮. ખરાબ વિચારો ભૌતિક દૃષ્ટિએ જોતાં, રોગના જંતુઓ છે.
૯. શરી૨ તો અંદર રહેલા વિચારો મુજબ ઘડાય છે. આ રીતે દરેક રાષ્ટ્ર તે પ્રજાના વિચારોની અભિવ્યક્તિ છે.
૧૦. સારા અને નરસા વિચારના આપણે જ વારસદારો છીએ. જો આપણે આપણી જાતને પવિત્ર બનાવીએ તેમજ સદવિચારોનું સાધન બનાવીએ, તો સદવિચારો આપણામાં પ્રવેશ કરશે. સારો માણસ ખરાબ વિચારોને ગ્રહણ કરવાને તૈયાર નહિ હોય. દુષ્ટ વિચારો દુષ્ટ માણસોમાં જ સારું સ્થાન જમાવી શકે છે; યોગ્ય પ્રકારની જમીન મળે ત્યારે જ જન્મે અને વધે તેવા કીટાણુંઓ જેવા જ ખરાબ વિચારો છે.
૧૧. જે લોકો આ જીવનમાં નિરંતર નિરાશ અને નિરુત્સાહી રહે છે. તેઓ કશું કરી શકતા નથી.
ક્રમશ: