હરીફાઈ
એક વખત દેડકાઓની હરીફાઈ હતી. એક ખૂબજ ઊંચો મિનારો હતો અને જે દેડકો એ મિનારા પર ચઢી બતાવે એને બહુ મોટું ઈનામ આપવાનું હતું. ઘણા બધા દેડકાઓ ભાગ લેવા આવ્યા હતા. કેટલાય દેડકાઓનું ટોળું મિનારાની આસપાસ એકઠું થયું હતું.
મિનારાની ઊંચાઈ બહુ હતી. એથી આસપાસ એકઠા થયેલા દેડકાઓની ભીડ ભાગ લેવા આવેલા દેડકાઓને બૂમો પાડી પાડીને ચેતવી રહ્યા હતા કે, “ભાઈઓ મિનારો ખૂબ ઊંચો છે. આપ કોઈ કાળે એને સર નહીં કરી શકો. માટે પાછા વળી જાઓ. ઈનામની લ્હાયમાં નકામી જાન ગુમાવશો.”
ટોળાની ઉશ્કેરણીથી ભાગ લેવા આવેલા કેટલાયે દેડકાઓ પાછા વળી ગયા. કેટલાક દેડકા મિનારા પર અડધે સુધી પહોંચી ગયા હતા. નીચે ઊભેલું ટોળું બૂમો પાડી પાડીને એમને પણ ડરાવવા લાગ્યું, “મિત્રો બસ બહુ થયું. હવે જોખમ ના લો. નીચે ઊતરી જાઓ.”
ટોળાની બૂમો સાંભળી અડધે સુધી પહોંચી ગયેલા દેડકાઓ પણ ગભરાઈને નીચે ઊતરી ગયા. એકાદ બે દેડકા તો ટોચથી માત્ર થોડુંક અંતર જ દૂર હતા છતાં ગભરાઈને નીચે ઊતરી ગયા.
પણ એક દેડકો એ ટોળાની વાતને બિલકુલ કાને નહોતો ધરતો. એ ધીમી અને મક્કમ ચાલે મિનારાની ઊંચાઈ હાંસલ કરી રહ્યો હતો અને આખરે એ ટોચ પર પહોચી પણ ગયો. ચારે તરફ એની વાહવાહી થઈ ગઈ. એને ઈનામથી નવાજવામાં આવ્યો.
( આ તો બહુ સાદી વાર્તા કહેવાય પણ વાર્તામાં મજા હવે આવશે...)
તરત જ આસપાસ પત્રકારો ગોઠવાઈ ગયા અને એને એની સફળતાનું રહસ્ય પૂછ્યું ત્યારે ખબર પડી કે એ દેડકો તો સાવ બહેરો હતો!!!
વાત સાવ સ્પષ્ટ છે. જીવનમાં આપણે પણ જો આગળ વધવું હોય અને સફળતાનાં શિખરો સર કરવા હોય તો લોકોની વાતને કાને ના ધરશો. અને નિરંતર પોતાના લક્ષ્ય તરફ આગળ વધતા રહો.